7
Share
@dawriter

હવે ફરી નહીં

0 5       
ashutosh by  
ashutosh

'નિહાયતી રખડું છોકરી છે એ મહેતા સાહેબ, મારી દીકરી છે છતાં તમને કહું છું,' પોતાની નવી ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લખાવવાની ઓફર લઈને આવેલા જાણિતા પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેતાસાહેબને નિવેદીતાએ કહ્યું. 'અરે, પણ નિવેદીતાજી મારી આ ફિલ્મની કન્ટેન્ટ એટલી જબરદસ્ત છે કે આખીય ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર કલ્યાણી જ તેનું સ્ક્રીનપ્લે લખી શકશે એવું મને લાગે છે. પ્રોડ્યુસર મહેતા બોલ્યા. 'તમને તમારી ફિલ્મ અને કરિઅર સાથે પ્રેમ નથી?' નિવેદીતા હજીય તેના મંતવ્ય પર કાયમ હતી. 'અરે, આવું શું કામ બોલો છો નિવેદીતાજી, તમારા સમયમાં તમે પણ એક ખૂબ સફળ ફિલ્મ લેખિકા રહી ચૂક્યા છો અને છતાં તમે તમારી જ દીકરી માટે આવું બોલો છો?' મહેતાસાહેબે કહ્યું. 'હા, હું જ કહું છું. કલ્યાણી ખૂબ ટેલેન્ટેડ છે, તે ખૂબ સારું લખે છે છતાં હું કહું છું કારણ કે, મારી કલ્યાણી આટલી મોટી થઈ છતાં હજી "જવાબદારી" નામનો શબ્દ તેણે પોતાની ડિક્શનરીમાં લખ્યો જ નથી, તો તેને સમજવાનો તો પ્રશ્ન જ નથી આવતો.' નિવેદીતાએ સિન્ગલ મોલ્ટનો ગ્લાસ મહેતા સાહેબને આપતાં કહ્યું. 'ઓ.કે. હું કલ્યાણીને એકવાર મારી ફિલ્મની વનલાઈનર જણાવી દઉં પછી આપણે નિર્ણય તેના પર છોડી દઈશું. રાઈટ? પણ છે ક્યાં આપણી ટેલેન્ટેડ રાઈટર?' નકુલ મહેતાએ પૂછ્યું. 'મને કઈ રીતે ખબર હોય? ગઈકાલ સવારથી મેડમ એક થેલો ભરાવીને નીકળી ગયા છે. ગઈ રાતથી હું તેનો મોબાઈલ ટ્રાય કરું છું પણ મમ્માનો ફોન ઉંચકવો અને વાત કરવી એવી મેનર્સ શીખ્યા હોય મેડમ તો જવાબ આપે ને! હું પણ ફિલ્મો લખતી, કેટલીયવાર તો એક સાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હોય એવું બન્યું છે અને આ ઈન્ડસ્ટ્રીને નિવેદીતાએ અનેક હિટ્સ અને સુપર હિટ્સ ફિલ્મો પણ આપી છે પરંતુ આ છોકરીની જેમ બેદરકારીભર્યું વર્તન ક્યારેય નથી કર્યું.' પોતાના સમયમાં નામાંકિત ફિલ્મ રાઈટર તરીકેનું આગવું સ્થાન ધરાવતી નિવેદીતાએ ફરિયાદ કરી. 'ઓહ, સમજ્યો!' મહેતાસાહેબને ખ્યાલ આવી ગયો કે શા કારણથી હમણાં કલ્યાણી બુરાઈનું આ પ્રકરણ ખૂલ્યું હતું.

જોકે, નિવેદીતા સાવ ખોટું પણ નહોતું જ કહી રહ્યા, કલ્યાણી એટલે નિહાયતી રખડું સ્વભાવની છોકરી. જોકે ટેલેન્ટેડ અને ક્રિએટીવ પણ એટલી જ પરંતુ, રખડપટ્ટી જાણે તેની બીજી ઓળખ. ગમે તે સમયે ગમે ત્યાં જવા માટે નીકળી પડે. બસ બેગમાં ત્રણ જોડી કપડાં નાખ્યા અને ખભે ભરાવી ચાલી નીકળે, ક્યારેક ટ્રેનમાં, ક્યારેક કાર લઈને તો ક્યારેક વળી સ્કૂટરેટ પર. જેવું સ્થળ તેવી સફર. ક્યાં રહેશે, શું ખાશે? કંઈ જ નક્કી નહીં. બસ ઘરથી નીકળતીવેળા માત્ર એક જ વાક્ય મોઢાં પર હોય, 'મમ્મા, હું જાઉં છું.' જો સામે એવા સવાલો પૂછાય કે ક્યાં જાય છે, ક્યારે આવશે, કોની સાથે જાય છે? તો કલ્યાણી પાસે તેનો કોઈ જવાબ નહીં હોય. કારણ કે તેને પોતાને જ ખબર નહીં હોય. પરંતુ, તેની ક્રિએટીવીટી જબરદસ્ત હતી, કલ્પનાશક્તિ અચંબિત કરનારી હતી અને આ બધાની સાથે તેનું લખાણ... વારંવાર વાંચવું, યાદ રાખવું, વાગોળવું ગમે તેવું હતું. લોકો કહેતાં કે 'મા તો માત્ર એક સફળ ફિલ્મ લેખિકા બની પરંતુ દીકરી કલ્યાણી તેમનાથી પણ બે ચાસણી ચઢે તેવી છે. ફિલ્મ કે નાટકની કહાની લેખનથી લઈને સંવાદ લેખન, ગીત-ગઝલ હોય કે નિબંધ, વાર્તા અથવા પ્રવાસવર્ણન હોય તેના દરેક લખાણમાં એક ગજબનો મેગ્નિક પાવર છે. પણ અલગારી જીવ તેથી જ તો આટલી નાની ઉંમરે સાત-સાત સુપરહિટ ફિલ્મો અને સોળ કરતાં પણ વધુ જબરદસ્ત કન્ટેન્ટવાળા સફળ નાટકો આપી ચૂકી હોવા છતાં ક્યારેય તેને લાઈમલાઈટમાં આવવું ગમતું નહોતું. ક્યારેક કોઈ અંગત મિત્ર પૂછે તો કલ્યાણી તુરંત કહી દે, 'યાર એકવાર આ સ્ટારડમનું પૂછડું માણસને વળગે પછી સામાન્ય જિંન્દગી સાથે દુશ્મનાવટ થઈ જતી હોય છે. હું આ રીતે ગમે ત્યાં, ગમે ત્યારે રખડવા નહીં જઈ શકું અને તેમ નહીં થાય તો હું ગૂંગળાઈ જઈશ.'

આજે એ જ કલ્યાણી પાસે પોતાની નવી ફિલ્મના સ્ક્રીનપ્લે રાઈટીંગની ઓફર લઈને આવેલા મહેતાસાહેબ તેના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતાં ત્યારે કલ્યાણી ક્યાં છે તેની કલ્યાણીની મમ્મી નિવેદીતાને પણ ક્યાં ખબર હતી કે તે કંઈ કહી શકે. 'ભૈયા મુંબઈ ચલોગે?' દક્ષિણ ગુજરાતના વાપી શહેરના હાઈ-વે નજીક ઊભેલી કલ્યાણીએ એક ટેક્સીવાળાને પૂછ્યું, પણ ટેક્સીવાળો નકારમાં મોઢું હલાવી આગળ નીકળી ગયો. હાઈ-વેથી વાપી રેલ્વે સ્ટેશન માત્ર દસ મિનિટના અંતરે હતું પરંતુ કલ્યાણીને આજે ટ્રેનમાં જવાનો મૂડ નહોતો. ગમે એટલી વાર લાગે, ગમે તે વાહન મળે પરંતુ આજે જવું છે તો બાય રોડ જ, કલ્યાણીએ મનોમન નક્કી કરી લીધું હતું. આ રીતે લીફ્ટ માગતા માગતા સાંજ નીકળી ગઈ અને રાતનું અંધારું ઘેરાવા માંડ્યુ હતું. કકડીને ભૂખ પણ લાગી હતી. કલ્યાણીએ હાઈ-વેના કીનારે આવેલા સબ-વે રૅસ્ટારાંમાંથી એક બર્ગર લીધું અને ફરી લીફ્ટ મળવાની આશા સાથે હાઈ-વે પર આવી ગઈ. 'મુંબઈ?' એક લક્ઝરી બસ આવીને કલ્યાણી પાસે ઊભી રહી એટલી કલ્યાણીએ પૂછ્યું. 'મુંબઈ મેં કહાં જાના હૈ? બસ એરપોર્ટ તક હી જાયેગી પહેલે સે બોલ દેતા હું બાદ મેં કીચ-કીચ નહીં ચાહીયે, તીનસો રૂપિયે લગેંગે!' બસના ક્લીનરે કલ્યાણીને કહ્યું, કલ્યાણીને ખ્યાલ આવી ગયો કે અહીં પણ ચા કરતાં કીટલી ગરમ જેવો જ ઘાટ છે. 'ઠીક હૈ.' ટૂંકો જવાબ આપી કલ્યાણી બસમાં ચઢી ગઈ. બસે ફરી પોતાની ગતિ પકડી અને ક્લીનરે કલ્યાણીને ત્રીજી હરોળની વિન્ડો સીટ દેખાદતા કહ્યું, 'ત્યાં ત્રીજી લાઈનમેં બૈઠ જાઈએ.' આ ગુજહિન્દીની વર્ણશંકર ભાષાને કારણે કલ્યાણીને ખ્યાલ આવી ગયો કે ભાઈ સાહેબ ગુજરાતી જ છે. 'ગુજરાતી છે તો ગુજરાતીમાં બોલને ભાઈ, શું કામ હિન્દીની મમ્માએ રડવું પડે તેવુ બોલે છે? મારે તે સીટ નથી જોઈતી, હું અહીં જ બેસીશ, આ ડ્રાઇવર સીટની પાછળની જગ્યા ખાલી છે ને ત્યાં. એક કામ કર આજનો દિવસ તું ત્યાં જઈને બેસી જા.' કલ્યાણીએ મજાક કરતાં કહ્યું, અને પોતાની બેગ ખભેથી ઉતારી તે ડ્રાઈવર કેબિનમાં જ ડ્રાઇવરની પાછળવાળી સીટ પર ગોઠવાઇ ગઈ. બસ ચલાવી રહેલા, ડ્રાઇવર સીટ પર બેઠેલાં પુરૂષે એક અછળતી નજર કલ્યાણી પર નાખી અને ફરી આગળ જોવા માંડ્યો. 'અરે, નહીં નહીં મેડમ... ઐસા કૈસે ચલેગા, તમે ત્યાં જ જઈને બેસી જાવ...' ક્લીનર દલીલ કરવા ગયો પણ એટલામાં જ ડ્રાઈવરે તેની તરફ જોયું અને તે શાંત થઈ ગયો.   

ચાર કલાક પછી આખરે ટૂ બાય ટૂ લક્ઝરી મળી ગઈ ત્રણ કલાકમાં તો હું મુંબઈ પહોંચી જઈશ, કલ્યાણીને વિચાર આવ્યો. બસ ફરી પોતાની સફર તરફ ગતિ પકડી ચૂકી હતી અને કલ્યાણીની લેખક તરીકેની નજર પણ પોતાની સફર શરૂ કરી ચૂકી હતી. કલ્યાણી વાપીથી બસમાં ચઢી ત્યારથી જ તેણે નોંધ્યુ હતું કે બસનો ડ્રાઈવર બીજી અનેક બસમાં હોય છે તેવો જરા પણ લાગતો નહોતો. તેની નજર, તેના ચહેરા પરના ભાવ વગેરે અલગ હતાં. તેણે આટલી ટૂંકી સફરમાં પણ એ વાત બરાબર નોંધી હતી કે જરૂર હોય ત્યાં કે ન હોય ત્યાં પણ બોલ બોલ કરીને દિમાગ ખાવાનું કામ માત્ર ક્લીનરનું જ હતું. ડ્રાઈવર સીટ પર બેઠેલો પુરૂષ તો જાણે જરૂર હોય ત્યાં પણ નહોતો બોલતો. માત્ર તેની નજર ફરે અને ક્લીનરે સમજી જવાનું રહેતું. રાતનું અંધારું હતું તેથી સાવચેતીના રૂપે કે પછી તેની ડ્રાઈવિંગની સ્ટાઈલ જ એવી હતી તે તો હજી કલ્યાણીને ખબર નહોતી, પરંતુ કલ્યાણીને લાગ્યું કે જાણે તેની આંખો એકેય પલકારો જ નથી મારી રહી. સતત અપલક તેની નજર રસ્તા પર મંડાયેલી હતી. સામે ચાલીને તેની બાજૂમાં જ કહી શકાય એટલી નજીક આવી સુંદર અને યુવાન છોકરી બેઠી હોવા છતાં જાણે તે વાતનો તેને કોઈ ફર્ક જ નહોતો પડી રહ્યો. કલ્યાણીની અંદરની લેખિકા તેને પજવી રહી હતી કે એક બ્યુટીફૂલ છોકરી પ્રત્યેનું આ ઈગ્નોરન્સ તેને ઠરવા નહોતું દઈ રહ્યું એ તો રામજાણે પણ કલ્યાણીએ બળજબરીપૂર્વક વાત-ચીતનો દૌર શરૂ કર્યો. 'ક્યાંની છે આ બસ, રોજ મુંબઈનો ફેરો મારો છો કે ક્યારેક ક્યારેક જ?' તેણે પૂછ્યું. 'ઈડર, હિમ્‍મત નગરની છે. મહિને દહાડે બે-ચાર આંટા થઈ જાય મુંબઈના...' જવાબની આશા ડ્રાઈવર પાસે હતી પરંતુ ક્લીનરે જવાબદારી નભાવી લીધી. 'મેં તને નહીં આમને પૂછ્યું છે.' ડ્રાઈવર તરફ ઈશારો કરતાં કલ્યાણીએ કહ્યું. 'મતલબ, જવાબ સાથે હોવો જોઈએ, ભલે ગમે ત્યાંથી મળે...' પેલા મહદાંશે ચૂપ જ રહેતાં ડ્રાઈવરે કહ્યું અને તેનું આ વાક્ય સાંભળી કલ્યાણીની આંખો પહોળી થઈ ગઈ. જાણે તેને કોઈ ખૂબ જાણિતો, હજ્જારોવાર સાંભળેલો અવાજ યાદ આવી ગયો. તે આગળ કશુંય બોલાવાનું કે પૂછવાનું જ જાણે ભૂલી ગઈ હોય. તેની આંખો વારંવાર તે યુવાનને માપવાની, વાંચવાની કોશિશ કરવા માંડી.

લગભગ વીસ મિનિટ આમ જ કોઈ સંવાદ વિના પસાર થઈ ગઈ, પરંતુ આ વીસ મિનિટમાં પચાસવાર કલ્યાણીની નજર જાણે પેલા યુવાનની અંદરના ખરજવાળા, આકાશી અવાજને શોધતી રહી. 'ડ્રાઈવિંગ કરતાં કરતાં એકવાર પણ આંખનો પલકારો નથી પડતો, ઊંંઘ આવી જવાની બીક લાગે છે કે પછી આ રસ્તા પર ક્યાંક તમારી કોઈ પ્રેમિકા ખોવાઈ ગઈ છે જેને શોધી રહ્યા છો?' કલ્યાણીએ મજાકના મૂડમાં કહ્યું, તેને લાગતું હતું કે કદાચ તેની એક મજાક આ પુરૂષ સાથે સંવાદનો દૌર શરૂ કરી આપી શકે. 'ગાંજા પીયા હૈ કભી?' પેલાએ પૂછ્યું, અને આ એક વાક્ય સાંભળતાં જ કલ્યાણીના દિમાગને જાણે વિજળીનો આંચકો લાગ્યો. 'બાપ રે ગૂલઝાર સાહેબ...!' કલ્યાણીને તુરંત લાગ્યું કે જાણે તેણે આ વાક્ય આ પહેલાં પણ ક્યાંક સાંભળ્યુ છે. સૂફી ગાયક આબીદા પરવીનના એક કાર્યક્રમ તે ગઈ હતી, જ્યાં ગૂલઝારસાહેબ સંચાલન કરી રહ્યા હતાં, 'ખૂદા કો દેખા હૈ કભી?' ગૂલઝાર સાહેબે તેમના ગહેરા ખરજવાળા, આકાશી અવાજમાં પોતાની આગવી અદાથી પૂછ્યું હતું. અને ત્યારબાદ આબીદાજી વિશે બોલતાં તેમણે પોતાની જ એક ગઝલના બે શેર ટાંક્યા હતાં તે કલ્યાણીને યાદ આવી ગયું. હમણાં તેની સામે બેઠેલાં લક્ઝરી બસ ડ્રાઈવ કરી રહેલાં આ યુવાનનો અવાજ અદ્દલ ગૂલઝાર સાહેબ જેવો જ હતો. 'ગૂલઝાર, અદ્દલ ગૂલઝાર...!' તે બબડી.

કલ્યાણી અકારણ જ પેલો જે બોલ્યો હતો તે વાક્ય મનોમન દોહરાવી રહી હતી, 'ગાંજા પીયા હૈ કભી...' અને અચાનક તેની જીભ પર એક પ્રશ્ન આવી ગયો, 'ગૂલઝાર સાહેબને તમે ક્યારેય સાંભળ્યા છે કે વાંચ્યા છે?' તેણે પૂછ્યું પણ બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો, બસના ડ્રાઈવરે વળી ક્યારે ગૂલઝારને સાંભળ્યા કે વાંચ્યા હોય શકે, હું પણ સાવ મૂર્ખ છું. 'ઝીરો લાઈન પર ગૂલઝાર, બાયોગ્રાફીકલ એડીશન, અત્યાર સુધીની તેમની બધી બુક્સમાં બેસ્ટ...!' પેલો પુરૂષ બોલી રહ્યો હતો. અચંબિત થઈ ગયેલી કલ્યાણીની આંખે જાણે અંધારા આવી ગયા. કીકીઓ હમણાં જ બહાર આવી જશે તેવું તેને લાગ્યું. તે એકીટસે પેલા યુવાનને જોઈ રહી હતી. અને મહામહેનતે શરૂ થયેલા સંવાદના એક એક વાક્યે આ યુવાન તેને અચંબિત કરતો જઈ રહ્યો હતો. પહેલાં તેનો આકાશી આવાજ, પછી ગાંજો પીવાની વાત અને હવે ગૂલઝાર સાહેબની બાયોગ્રાફીકલ કોપી... કલ્યાણી માટે હવે આ યુવાન એક પુરૂષ મટીને જાણે કોઈ રહસ્યમયી કલપ્ના જેવો થતો જઈ રહ્યો હતો. પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને કારણે જે કલ્યાણી આજ સુધી લોકોને અચંબિત કરતી હતી તે હમણાં પળે પળે તેની સામે બેઠેલાં એક અજાણ્યા યુવાનને જોઈ અચંબિત થઈ રહી હતી. 'તમે વાંચી છે એ બુક?' કલ્યાણીએ પૂછ્યું. 'તમે ગૂલઝારની વાત કાઢી એટલા માટે કહ્યું, બાકી વાંચવા બાબતે માત્ર ગૂલઝારને જ નહીં, મન્ટોથી લઈને ઈસ્મત ચૂગતાઈ, અમૃતા પ્રીતમને પણ વાંચ્યા છે અને શ્રી લાલ શુક્લા કહો કે ભીષ્મ સાહની અને રામધારી સિંઘ દીનકરને પણ વાંચ્યા છે.' સતત એકધારી રસ્તા તરફ નજર રાખી ડ્રાઈવ કરી રહેલા બસ ડ્રાઈવરે કહ્યું. 'ઓહ, એટલે હિન્દી વાંચવાનો શોખ છે તમને!' કલ્યાણીને હવે આ પુરૂષ સાથે વાત કરવાની મજા પડી રહી હતી. 'કેમ, અશ્વીની ભટ્ટ, કલાપી, ઉમાંશંકર જોશી કે હીમાંશી શેલતે શું ગૂનો કર્યો છે, મેડમ?' ગુજરાતી વાંચનનો જાણે આ માણસને જબરદસ્ત ગર્વ હતો તેમ આ એક વાક્ય જ કહી આપતું હતું. કલ્યાણીને પોતે કરેલા પ્રશ્નનો ક્ષોભ મહેસૂસ થયો હોય તેમ તે બોલી, 'ઓહ ના, મારો કહેવાનો ભાવાર્થ એવો નહોતો, પણ મુંબઈમાં હવે ખાસ કોઈ ગુજરાતી વાંચતુ નથી એટલે મારાથી પૂછાઈ ગયુ.' આ બધી વાતોમાં બસના દરવાજા પાસે બેઠેલાં ક્લીનરને કોઈ લેવા-દેવા નહોતી આથી તેણે પોતાના બોસ માટે ગાંજો ભરેલી સિગારેટ વિટાળી લેવાનું કામ કરી લીધું અને પેલા ડ્રાઇવરે જેવી તે ક્લીનર તરફ નજર નાખી કે તુરંત તેણે એક સિગારેટ કાઢીને માલિકની સામે ધરી. પેલા યુવાને બે હોંઠ વચ્ચે તે સિગારેટ ભરાવી, ક્લીનરે તેને તે સળગાવવામાં મદદ કરી. બસની આખીય કેબિનમાં ગાંજાના ધુમાડાની મહેક પ્રસરી ગઈ. પેલા યુવાને એક ઊંંડો કશ ખેંચ્યો અને 'તમે પીશો કે નહીં તે પૂછ્યા વિના જ કલ્યાણી સામે તે સિગારેટ ધરી દીધી. કલ્યાણી થોડું મલકી અને તેણે સિગારેટ હાથમાં લઈ એક કશ ખેંચ્યો, 'વાઉ... ઓસમ...પ્યોર હિમાલયન!' આંખો બંધ કરી ગાંજાના કશને મહેસૂસ કરતાં તે બોલી.

ગમતિલા વિષય પર વાત કરવાવાળું કોઈ મળી જાય ત્યારે મહદાંશે બે અજાણી વ્યક્તિઓ વચ્ચેનું અપહેચાની અંતર ખૂબ ઓછા સમયમાં પહેચાનમાં પરિવર્તિત થઈ જતું હોય છે. કલ્યાણી અને પેલા પુરૂષ વચ્ચે પણ તેવું જ બન્યું. પોતાના બોસને ક્યારેક જ અને જરૂર જેટલું જ બોલતા જોવા ટેવાયેલો પેલો ક્લીનર પણ આજે તેમનું આ નવુ રૂપ જોઈ નવાઈ પામી ગયો હતો. એક પછી એક અનેક વિષયોની, અનેક લેખકો અને ગીતકારોની વાતો થતી રહી. વાપીથી શરૂ થયેલી મુંબઈ સુધીની સફરની શરૂઆતની વીસ મિનિટ ભલે અસંવાદિત ગુજરી હતી પરંતુ ત્યારપછીના અઢી કલાકમાં રખડપટ્ટીથી લઈને કઈ ફિલ્મ કેવી રીતે બની ત્યાંસુધીના અનેક વિષયો પર કલ્યાણી અને પેલા પુરૂષ વચ્ચે ખૂબ બધી ચર્ચાઓ થઈ. પરંતુ આ અઢી કલાક દરમિયાન પણ કલ્યાણીને સતત એક વાત ખટકતી રહી હતી કે, બસની ડ્રાઈવરી જેવું સાવ સામાન્ય કામ કરતા આ પુરૂષને સફરમાં આટલી રૂપાળી અને યુવાન છોકરીનો સાથ મળ્યો હોવા છતાં જાણે તેને કોઈ ફર્ક જ નહોતો પડી રહ્યો. કલ્યાણીના રૂપથી લઈને બુધ્ધિચાતુર્ય કે વાતોના વિષયથી લઈને તેનું જે-તે વિષય વિશેનું જ્ઞાન. આ પુરૂષને જાણે કોઈ વાતની નવાઈ જ નહોતી લાગી રહી, એટલું જ નહીં તેણે એક બારીક નજર સુધ્ધાં કલ્યાણી તરફ નહોતી નાખી. બસ તે તો જાણે પોતાની જ કોઈ મસ્તીમાં બોલ્યે જતો હતો. વાતો કર્યે જતો હતો. વાત-વાતમાં ક્યારે વિરાર આવી ગયું તેની પણ કલ્યાણીને ખબર નહોતી રહી. હવે મુંબઈ નજીક હતું. પેલો પુરૂષ ભલે સ્થિતપ્રજ્ઞ અવસ્થાનો માલિક હોય પરંતુ કલ્યાણી માટે હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. ન જાણે કેમ, કદાચ અભાનપણે જ હશે પરંતુ કલ્યાણીથી બોલાઈ ગયું, 'હું લખું છું, અને લોકો કહે છે કે ખૂબ સારું લખું છું, ફિલ્મો અને નાટકો લખવા માટે પ્રોડ્યુસર અને ડાયરેક્ટરોની અનેક ઓફર્સ આવતી રહે છે, આપણે સાથે કામ કરીએ તો? તમે આ બસ ચલાવવાનું છોડી દો અને મુંબઈ આવી જાવ.' આ વખતે પહેલીવાર પેલા પુરૂષે પોતાની નજર રસ્તા પરથી હટાવી અને કલ્યાણી તરફ કરી, તે એક પળનો સમય જાણે એક કાળ જેટલો લાંબો થઈ ગયો હોય તે રીતે ઊંડાઈપૂર્વક પેલા એ કલ્યાણી તરફ જોયું અને થોડું હસ્યો. 'કેમ તમે કંઈ બોલતા નથી? હું સાચે જ કહું છું. આપણે સાથે કામ કરીએ,' કલ્યાણીએ કહ્યું અને તેના જવાબની રાહ જોતી તે એકધારું તેના તરફ જોતી રહી.

બસના એન્જિનની ઘરઘરાટીનો પણ અવાજ હોય છે તે જાણે પહેલીવાર ખબર પડી હોય એટલી શાંતિ હમણાં બસની કેબિનમાં છવાઈ ગઈ હતી. થોડી ક્ષણોનું શાંત વાતાવરણ હવે કલ્યાણીને અકળાવી રહ્યું હતું, તે ફરી એકવાર પેલા પુરૂષને કહેવા જઈ રહી હતી પણ ત્યાં જ તે યુવાન બોલ્યો, 'હું વર્તમાનમાં જીવનારો માણસ છું, મેડમ. ભૂતકાળમાં નહીં!' તેણે કહ્યું, કલ્યાણીને આ વાક્યનો અર્થ નહીં જ સમજાશે તે પેલાને કદાચ ખબર હતી આથી જ તેણે પોતાની વાત આગળ ચલાવી. 'સિકંદરે-એ-આઝમના ગુરૂ અને પ્લેટોના શિષ્ય ગ્રીક લિજેન્ડ અરસ્તુએ કહ્યું હતું કે, ઈન્સાની મુહિમ સાત કારણોને લીધે સર્જાતી હોય છે, મૌકો, પ્રકૃત્તિ, મજબૂરી, આદત, કારણ, જૂનુન અને ઈચ્છા. મારા જીવનનો ભૂતકાળ આવી જ એક મુહિમ છેડી હારી ચૂક્યો છે હવે ફરી નહીં.' તેણે કહ્યું. આ સાંભળી ફરી એકવાર અચંબિત થયેલી કલ્યાણીની આંખો પહોળી થઈ ગઈ. 'એટલે?' તેણે પૂછ્યું. 'સાત વર્ષ પહેલાં અમારા ઈડરમાં એક ફિલ્મનું યુનિટ આવ્યું હતું, શૂટિંગ માટે. સાહિત્ય, ફિલ્મો અને ગઝલો-ગીતો પ્રત્યે મને પહેલેથી જ જબરદસ્ત આકર્ષણ, જેને કારણે તે ફિલ્મના રાઈટર સાથે મારી મુલાકાત થઈ. આ હમણાં તેં જે કહ્યું, તે જ શબ્દો તે સમયે તેમણે પણ મને કહ્યાં હતાં. ફિલ્મી કરિઅરની આશાએ મારા બાપ-દાદાની મિલકત, જમીન અને ઘર વેચી હું મુંબઈ આવી ગયો. તે રાઈટર સાથે ફિલ્મો લખવાનું કામ કરવા. તેણે પોતાના એક મિત્રને ત્યાં મારી રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. લગભગ રોજ સાંજે અમે મળતા, ફિલ્મો વિશે ચર્ચા થતી હું તેમને એકથી એક ચઢિયાતી કથાવસ્તુ લખી આપતો. પરંતુ, તે રાઈટરને કદાચ મારા ટેલેન્ટમાં નહીં, મન થાય ત્યારે સેક્યુઅલ પ્લેઝર માણવા માટે એક પાર્ટનર મળી રહે તેમાં વધુ રસ હતો. એક એવો પાર્ટનર જે સવાલો નહીં કરે, વિરોધ નહીં કરે, તે જે પ્રમાણે કહે તે પ્રમાણે વર્તતો રહે. કરિઅરની આશાએ આમને આમ બે વર્ષ વિતાવ્યા પછી પાંચ વર્ષ પહેલાં જેમ-તેમ મુંબઈ છોડી શક્યો છું. હવે ફરી નહીં!' તેણે પોતાનો નિર્ણય જણાવી દીધો. બસ બોરિવલીના નેશનલ પાર્ક પાસે આવી ગઈ હતી. 'આપકા ડેસ્ટીનેશન આ ગયા મેડમ.' તેણે કહ્યું અને બસની ગતિને બ્રેક મારી.

કલ્યાણી બસમાં ચઢી ત્યારે પણ અચંબિત હતી અને હમણાં ઉતરી ત્યારે પણ અચંબિત હતી. 'કોણ છે આ છોકરી બોસ, શું તમે એની સાથે કામ કરવા મુંબઈ આવી જશો?' બસના ક્લીનરે પૂછ્યું. 'કોઈ નહીં રે, ચંદુ. આજે સાત વર્ષ પછી ફરી એક નિવેદીતા મને મુંબઈ આવી જવા માટે કહી રહી હતી. પણ હું આપણી આ બસ છોડીને ક્યાંય જવાનો નથી. લા એક સિગારેટ પી લા યાર...!' બસમાંથી નીચે ઊતરી ગયેલી કલ્યાણીના કાને આ વાક્ય જરૂર પડ્યું હશે એટલે જ તો બસ ક્યારની રવાના થઈ ગઈ હોવા છતાં તે હજીય ત્યાં જ જડવત ઊભી હતી.Vote Add to library

COMMENT