9
Share
@dawriter

ચાંદા પોળી ઘીમાં ઝબોળી

0 9       
ashutosh by  
ashutosh

'મહેરબાની કરીને આ સલાહો આપવાનું બંધ કરશે હવે?' વેદે બરાડો પાડ્યો. 'માફ કરજે વેદ, મને ખબર છે કે મારી બધી વાતો હવે તને કંટાળાજનક સલાહ જ લાગે છે. પરંતુ, ક્યારેક સમય મળે તો શાંત ચીત્તે વિચાર કરજે કે તારી આ મા સાચુ કહે છે કે નહીં' માલતી અંદરના રૂમમાં જતી રહી. 'પોતાની જાતને તો સંભાળી શકતી નથી, આ ડીપ્રેશનની દવા કરાવતા કરાવતા મારા ખિસ્સા ખાલી થઈ રહ્યા છે અને રોજ થાયને મને સલાહો આપવા નીકળી પડે છે.' વેદ બબડ્યો. 'ડેડા, કેમ બરાડા પાડો છો? ગ્રેની સાથે ફરી ઝઘડો થયો તમારો?' પાંચ વર્ષની શ્લોકાએ તેના પ્યારા પપ્પાને પૂછ્યું. 'ના બેટા, ગ્રેની હવે ઘરડાં થઈ રહ્યા છે ને, એટલે તેમને યાદ નથી રહેતું. એમણે જે વાત મને સવારે કહી હતી તે જ હમણાં ફરી કહી રહ્યા હતાં.' વેદે તેની લાડકી દીકરીને કહ્યું.

આખી જિંદગી સરકારી પ્રાથમિક શાળામાં ટીચર તરીકે નોકરી કરી છેલ્લે પ્રિન્સીપાલનો હોદ્દો ભોગવી રિટાયર્ડ થયેલાં માલતી બહેન હવે મોટા ભાગનો સમય જપ-પૂજામાં જ વિતાવતા હતાં. પરંતુ, જ્યારથી તેમના દિમાગનો ભરડો આ ડીપ્રેશન નામના રાક્ષસે લીધો હતો ત્યારથી વારંવાર એવું બનતું કે તે કોઈને કોઈ વાત પર દીકરા વેદને કે તેની પત્ની સાર્થકીને સલાહો આપતા રહેતાં. જોકે તે દરેક વાત સલાહ આપવાના આશયથી જ કહેતાં એવું પણ નહોતું પરંતુ આખા દિવસની દોડ-ધામ, પૈસા કમાવવાની ઘરેડમાં ઘાંચીના બળદની જેમ ગોળ-ગોળ ચકરડી ભમતા વિતાવવા દિવસના અંતે જ્યારે મા કશુંક કહેતી ત્યારે દીકરા-વહુને તે સલાહોનો કંટાળાજનક ડોઝ જ લાગતો. ડૉક્ટર સાથે કેટલીયવાર વાત કરીને વેદ અને સાર્થકી બંનેએ કહ્યું પણ હતું, 'ડૉક્ટર પ્લીઝ, ક્યાં તો મમ્મીની દવાઓ બદલો અથવા તેનો ડોઝ વધારો. રોજે-રોજ તેમનું બોલ બોલ કરવાનું વધતું જ જાય છે. શું કરવું અમને સમજાતું નથી.' ડૉક્ટરે બને એટલી સાદી ભાષામાં આ દીકરા-વહુને સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું હતું, 'માલતીબહેનને હું જે દવાઓ આપી રહ્યો છું તે બરાબર જ છે વેદ, તે બદલવાની કે ડોઝ વધારવાની કોઈ જરૂરત નથી. પરંતુ, તેઓ હમણાં મેનોપોઝના પીરિઅડમાંથી પસાર થઈ રહ્યા છે. સાર્થકી તમે તો સમજવાનો પ્રયત્ન કરો, એક સ્ત્રીને પણ સમય દરમિયાન ડીપ્રેશનની લાગણીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે માલતીબહેન તો પહેલેથી જ ડીપ્રેશનના શિકાર છે. મૂડસ્વિંગથી લઈને બબડાટ કર્યા કરવા જેવી પરિસ્થિતિ તેમના કેસમાં સામાન્ય ગણાય. તમે દીકરા-વહુ થઈને આ વાત નહીં સમજશો તો બીજું કોણ સમજશે?' ડોક્ટરે સમજાવ્યુ હતું પણ વેદ કે સાર્થકીની મુશ્કેલીનું સમાધાન એ સમજાવટમાં નહોતું. 'અમે સમજીએ છીએ ડૉક્ટર પણ હમણાં હમણાં તો મમ્મીએ હદ જ કરવા માંડી છે.' ફરિયાદ કરવાનું સુકાન હવે સાર્થકીએ સંભાળી લીધું હતું. 'મને કે વેદને કંઈ કહે તો સમજ્યા, અમે ચલાવી લઈએ પણ હમણાંથી તેઓ શ્લોકાને ખોળામાં લઈને કંઈક આડુ-તેડું સમજાવતા રહે છે અને સલાહો આપતા રહે છે. સાચે જ હવે હું કંટાળી ગઈ છું.' સાર્થકી બોલી. 'શ્લોકા સાથે? અરે વાહ, એ તો સારું કહેવાય. તમારી દીકરી સાથે તેઓ વાત કરતા રહે તો એ તો ઉલ્ટાની સારી વાત કહેવાય. એમનું ધ્યાન બીજે વળશે અને સાથે જ એમનો મૂડ પણ સુધરશે.' ડોક્ટર બોલ્યા. 'શું ખાક સારું કહેવાય! એ શ્લોકાનું માથું ખાય છે અને પછી શ્લોકા મારું. મારે તો બંને બાજૂથી ત્રાસ જ ભોગવવાનો ને!' 'અરે આ શું બોલ્યા, સાર્થકીબેન. માલતીબેન માટે હમણાં મારી દવાઓ કરતાં પણ તમારી દીકરી બેસ્ટ મેડીસીન છે. સાઈકીયાટ્રીમાં કેટલાંય કિસ્સાઓમાં એવું જોવા મળ્યુ છે કે, પેશન્ટ માટે દવાઓ કે ટ્રીટમેન્ટ જેટલા અસરકારક નહી નિવડે એટલાં પોતાના ઘરના માણસો સાથે કે નાના છોકરાઓ સાથે વિતાવેલો સમય અસરકારક નિવડે છે.' ડોક્ટરે દુનિયાની સૌથી શ્રેષ્ઠ દવા વિશે વાત કરતાં કહ્યું. 'તમારી બધી વાત સાચી જ હશે ડોક્ટર પણ સાચુ કહું, હું અને સાર્થકી આખા દિવસના કામ પછી થાકીને ઘરે આવ્યા હોઈએ, અને મમ્મી શરૂ થઈ જાય છે. પછી તો ક્યાં સુધી અમે પણ ધીરજ રાખીએ? ક્યારેક એમના પર ગુસ્સો થઈ જાય છે. મને પણ ખબર છે કે આ અમે ખોટું કરીએ છીએ પણ શું કરું?' વેદના અવાજમાં ભીનાશ વર્તાતી હતી. 'હું તમારી વાત અને તમારી પરિસ્થિતિ બંને બરાબર સમજી શકું છું વેદ. હવે નેકસ્ટ ટાઇમ તમે આવો ત્યારે માલતીબેનને લેતા આવજો, આપણે કંઈક કરીએ છીએ, કદાચ ટ્રીટમેન્ટ કે દવા બદલાવી પડે તો તે પણ કરશું. ઓ.કે?' ડોક્ટરે વેદ અને સાર્થકીને ધરપત આપી.

'હવે મમ્મી વધુ કરશે ને તો મારાથી એમને કંઈ બોલાય જશે, વેદ તમને કહી દઉં છું.' ઘરે પાછા વળતી વખતે સાર્થકીએ કહ્યું. 'થોડી ધીરજ રાખ સાર્થકી, આપણે બનતા પ્રયત્નો કરી જ રહ્યા છીએ ને. મમ્મીની પણ હવે અવસ્થા થઈ એમને પણ કેટલુંક કહીએ, આપણે નાના છીએ, આપણે જ સમજવું પડશે ને!' વેદે સાર્થકીને સમજાવતા કહ્યું. 'અરે પણ કેટલું? રોજ થાયને મમ્મી શ્લોકાને કહે કહે કર્યા કરે, દીકરા આ બાજૂવાળા નિલેષકાકા તને ચોકલેટ્સ આપેને એ નહીં લેવાની, તારા નરુમામા તને ઘરે રહેવા બોલાવે છે ને એ તારે નહીં જવાનું. દિનેશકાકા હવે પછી બહાર જમવા લઈ જવાની વાત કરે ને તો તારે ના કહી દેવાની. આ બધુ શું છે વેદ, શ્લોકા હજી નાની છે તેને અત્યારથી આવા બધાં સંસ્કાર આપવા છે એમણે? મારી દીકરીને એકલી-અતડી કરી નાખવી છે?' સાર્થકી એકધારું બોલ્યે જતી હતી. 'અરે બસ બસ હવે પણ કેટલું બોલે છે સાર્થકી?' વેદે વાતાવરણ હળવું કરવાના આશયથી મજાક કરતા કહ્યું. 'બોલું નહીં તો હું બીજું શું કરું, વેદ? મમ્મીને તમે કંઈ કહેવા દેતા નથી. તમારી ગેરહાજરીમાં મારાથી કંઈ કહેવાય પણ જાય છે તો મમ્મી રડવા માંડે છે.' મારે કોઈને જ કંઈ કહેવાનું નહીં તો હું શું કરું? મને લાગે છે કે મમ્મી તો ઠીક થતાં થશે પણ આ બધામાં ક્યાં તો હું જ ગાંડી થઈ જઈશ અથવા ડીપ્રેશનમાં ચાલી જઈશ.' સાર્થકી રડી પડી. 'બસ, સ્ટોપ ઈટ સાર્થકી. આ શું બોલે છે તું?' વેદનો અવાજ મોટો થઈ ગયો. સાર્થકીના શબ્દો અટકી ગયા પણ તેની આંખો હજીય વહી રહી હતી.

આ તરફ વેદની પણ મુંઝવણ વધતી જતી હતી. તેને સમજાતુ નહોતું કે શું કરવું? એક તરફ તેની મમ્મી હતી કે જેણે રાત-દિવસ જોયા વિના એકલા હાથે વર્ષો સુધી મહેનત કરી દીકરાને ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો હતો. બીજી તરફ સાર્થકી હતી કે જે ઉધ્ધત અને લડાક વહુ હતી એવું નહોતું પરંતુ નોકરીનું ટેન્શન અને શ્લોકાને ભણાવવાની દોડ-ધામની સાથે સાથે જ ઘરની પણ જવાબદારી નભાવ્યે જતી હતી. અને આ બંને સાથે ત્રીજી તરફ શ્લોકા હતી કે જેની હજી પુરી સમજ કેળવાય નહોતી. તેની સામે તેના દાદીને ગમે તેમ બોલાય કે તેની મમ્મી પણ દાદી સાથે ગમે-તેમ વહેવાર કરે તો દીકરી પર ખરાબ સંસ્કાર પડે, તે પોતે પણ દાદીથી દૂર થઈ જાય તેમ હતું. પરંતુ માલતીબેન તેને જે કંઈ પાઠ ભણાવી રહ્યા હતાં તે પણ તો બરાબર નહોતાં જ ને. આટલી નાની દીકરીને બધાં સાથે જ બોલવાનું નહીં હળવા-ભળવાનું નહીં એમ શીખવવામાં આવે તો કાલે ઊઠીને એ શું શીખશે? આપણે બધાં સામાજીક પ્રાણી છીએ, સમાજમાં રહેવા માટે સમાજના લોકો સાથે સગા-વ્હાલા સાથે સંબંધ તો રાખવા જ પડશે ને? પણ મમ્મીને આ બધી વાત કોણ સમજાવે? અને સમજાવે પણ શું કામ? શું મમ્મીને આ બધું નથી ખબર, એમણે પણ એમના સ્માયમાં બધા સાથે સંબંધ રાખ્યા જ હતાં ને, તો પછી હવે આમ અચાનક મમ્મી આવું શું કામ કરે છે? મુંઝવણો અનેક હતી અને તે મુંઝવણ સાથેના પ્રશ્નો પણ અનેક હતાં જેના જવાબો વેદને કેમેય કરી મળી નહોતા રહ્યા.

'દીકરા શ્લોકા, તું ક્યાંય બહાર જાય ને તો મમ્મી-પપ્પાને કહ્યા વિના નહીં જવાનું હં કે, આ આપણાં પાદોશી નિલેષકાકા કે પેલો બાજૂની દૂકાનવાળો વાણિયો તને ચોકલેટ આપે ને તો પણ એ લઈ નહીં લેવાની. તને ચોકલેટ ખાવાનું મન થાય ને તો મને કહેવાનું હાં.' વેદ અને સાર્થકી ઘરમાં પ્રવેશ્યા ત્યારે નાની દીકરી શ્લોકા, તેના દાદીના ખોળામાં માથું નાખી સૂતી હતી અને દાદી વળી પાછા તેને એ જ બધુ સમજાવી રહ્યા હતાં. સાર્થકીએ છેલ્લાં બે વાક્યો સાંભળ્યા અને તેનું દિમાગ ફરી ગયું. તે બોલવા જ જતી હતી પણ એટલામાં જ વેદે બાજી સંભાળી લીધી. 'શ્લોકા દીકરા કાલે સવારે સ્કૂલે જવાનું છે ને, ચાલો ફટાફટ મમ્મા સાથે જઈને સૂઈ જવા તો...' વેદે કહ્યું. 'મમ્મી તેં દવા લીધી?' વેદે માલતીબેનને પૂછ્યું. 'હા, ભાઈ લીધી. પણ તમે આ આપણી શ્લોકાનું ધ્યાન રાખજો હં. કાલ કોણે દીઠી રે શ્યામ, બધુ સારું રાખજે, બધુ સારું કરજે...' બબડતા બબડતાં માલતીબેન પોતાના રૂમમાં ચાલી ગયા.

એવું નહોતું કે માલતીબેનનો સ્વભાવ ચીઢીયો હતો. સાર્થકીને ઘરકામમાં પણ બનતી મદદ કરાવતા, તેને માટે ઘરેણાઅને સાડીઓ પસંદ કરતા. શ્લોકાને ગાર્ડનમાં રમવા લઈ જતા. બધુ ખૂબ સારી રીતે ચાલતું. વિધવા સાસૂ, દીકરો-વહુ અને નાની શ્લોકા. ચાર માણસનો આ પરિવાર સુખી હતો. પરંતુ છેલ્લાં થોડા સમયથી માલતીબેનના સ્વભાવમાં અને વર્તનમાં અજીબ પ્રકારનું પરિવર્તન આવી ગયું હતું. ડીપ્રેશનના શિકાર માલતીબેનનો આ મેનોપોઝનો સમય ખરેખર જ ખૂબ કપરો વિતી રહ્યો હતો. છેલ્લાં ત્રણ મહિનાથી તેઓ લગભગ દર દસ-વીસ દિવસે આવો બબડાટ અને સલાહ-સૂચનોનો મારો ચલાવ્યે રાખતાં. ચાર-પાંચ દિવસ તેમનું આમ સતત બોલતા રહેવાનુંને શ્લોકાને વણમાગી સલાહો આપ્યે રાખવાનું જાણે તેમને તૂત વળગી જતું. ત્યારપછી ફરી પાછા દસ-વીસ દિવસ તેઓ એવી રીતે વર્તતા જાણે પોતાના કામમાં જ વ્યસ્ત હોય. દીકરા-વહુથી કોઈ ફરિયાદ નહીં હોય. પરંતુ ફરી પાછા ચાર-પાંચ દિવસ એવા આવતા કે આગળના દસ-વીસ દિવસનું વર્તન માલતીબેન સાવ જ ભૂલાવી દે.

ગઈકાલે સાંજે વેદ સામે હૈયું ઠાલવી ચૂકેલી સાર્થકી આજે સવારે જાગે ત્યારથી જ તેણે નક્કી કરી લીધું કે હવે બસ, હવે જો મમ્મી મારી શ્લોકાને કંઈ પણ કહેશે તો હું ચૂપ નથી રહેવાની. તેણે શ્લોકાને જગાડી, તેની સ્કૂલબેગ તૈયાર કરાવી, યુનિફોર્મ પહેરાવ્યો અને બસનો હોર્ન સંભળાતા જ તે દીકરીને લઈ દરવાજે આવી એટલામાં જ પાછળથી માલતીબેન બોલ્યા, 'શ્લોકા, દીકરા સ્કૂલબસવાળા અંકલ કંઈ ખાવા આપે તો ખાઈશ નહીં હં, તેમને તારી બાજૂમાં બેસવા નહીં દેતી હં કે...' માલતીબેન બોલતા રહી ગયા અને સાર્થકી શ્લોકાને લઈ સ્કૂલબસ તરફ ચાલવા માંડી. શ્લોકાને સ્કૂલબસમાં બેસાડી અને ગુસ્સામાં લાલપીળી થતી સાર્થકી ઘરમાં પ્રવેશી. 'ઈનફ ઈઝ ઈનફ મમ્મી. હવે બસ. વેદ... વેદ...' સાર્થકીએ બરાડો પાડ્યો. 'અરે શું થયું સાર્થકી દીકરા, મેં શું ખોટુ કહ્યું શ્લોકાને, મને એની ચિંતા થાય છે એટલે...' પણ સાર્થકી ત્યાં ઊભી હોય તો સાંભળે ને, માલતીબેન આ તરફ બોલતાં જ રહી ગયા અને સાર્થકી તો ચાલી ગઈ હતી તેના બેડરૂમ તરફ. 'વેદ, હમણાં જ, આજે જ ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લો, આપણે મમ્મીને આજે દેખાડવા જવું પડશે. હવે હદ થાય છે.' સાર્થકી હમણાં એટલા ગુસ્સામાં દેખાતી હતી કે તેની સાથે હમણાં કંઈ પણ વાત કરવી મુશ્કેલ હતી. આથી વેદે કોઈ દલીલ નહીં કરી. તેણે આજે સવારની અગિયાર વાગ્યાની ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ લીધી અને માલતીબેનને લઈ બધા પહોંચી ગયા સાઈકિયાટ્રીસ્ટ ડોક્ટર મહેતાને ત્યાં.

'શું થાય છે તમને માલતીબેન, શાની ચિંતા સતાવે છે તમને? શ્લોકા ખૂબ ધમાલ કરે છે? તેની ફરિયાદો આવ્યા કરે છે? તે તમારી વાત સાંભળતી નથી? તે ભણવામાં હોંશિયાર નથી? સ્કૂલમાં ધ્યાન નથી આપતી? તેના ટીચર્સ ફરિયાદો કરે છે? શું, કઈ ચિંતા તમને આટલી બધી સતાવે છે માલતીબેન મને કહો.' સામે બેઠેલા માલતીબેનને ડોક્ટર હમણાં એ રીતે સવાલો પૂછી રહ્યા હતાં જાણે કોઈ નાના છોકરાને કોઈ જાદૂગર પોતાની વાતમાં ભોળવી રહ્યો હોય. માલતીબેન રડી પડ્યા, 'ના, મહેતાસાહેબ અમારી શ્લોકા તો ખૂબ વ્હાલી દીકરી છે. વળી તેને અમારી આ સાર્થકીનું રૂપ મળ્યુ છે એટલે દેખાવે પણ ખૂબ જ સુંદર અને ડાહી તો એટલી કે એની ક્યારેય ફરિયાદ આવશે તેવું વિચારી પણ નહીં શકાય.' માલતીબેન બોલ્યા. 'તો પછી? તો પછી એવી કઈ વાત છે કે તમે આટલી બધી ચિંતા કરો છો? મને કહો માલતીબેન, મને નહીં કહો તો બીજા કોને કહેશો? 'હું તેર વર્ષની હતી, મારા બાપા ખેતરોમાં મજૂરી કરીને ઘર ચલાવતા. અમારા પરિવારમાં એકમાત્ર મારા બાપા જ ગરીબ, બાકી મારા કાકા અને ફોઈના ઘરને ગામલોકો મોટા શેઠની કોઠી કહેતાં. હું તેર વર્ષની થઈ ત્યાંસુધી મને યાદ નથી કે મારે માટે એકપણ નવુ કપડું મારા બાપા લાવી શક્યા હોય. કાકાની દીકરી એટલે કે મારી બહેનના કપડાં જૂના થાય તે જ મારા ભાગે આવતાં. એક દિવસ મારી કાકી એક ફાટેલું ફ્રોક મારા માટે આપી ગઈ ત્યારે મેં તે પહેરવા માટે મારી મા ને ના કહી દીધી. કાકાને આ વાતની ખબર પડી તો તેમણે કહ્યું કે, દીકરીને તમે ફાટેલા કપડાં આપો તો તે ના જ કહે ને. ચાલ દીકરા હું તને નવું ફ્રોક લઈ આવી દઉં. હું તો હરખાઈ ગઈ. જિંદગીમાં પહેલીવાર મને નવું ફ્રોક પહેરવા મળવાનું હતું. કાકા મને બાજૂના ગામની મોટી દૂકાને લઈ ગયા અને એક નવુ નક્કોર ફ્રોક અપાવ્યું. પાછા ફરતી વખતે ખેતરે રોટલો જમતા મને કહે, માલતી, કાકાને તારું નવું ફ્રોક પહેરીને નહીં દેખાડે? તે દિવસે કાકાએ રોટલો નહીં ખાધો, નાની થાળીનું ચાખ્યા વિનાનું ભોજન તેમને મન વધુ મજેદાર હતું. મને સમજાતુ નહોતું કે કાકા આવુ કેમ કરી રહ્યા છે, પણ મને એટલું દુખતુ હતું કે તે રાત્રે હું સૂઈ નહોતી શકી અને મને તાવ આવી ગયો હતો. પછી તો ફોઈને પણ મારા પર વ્હાલ આવ્યો તે ફૂવાજીને ફ્રોક લેવા મોકલાવ્યા, કાકા કોક દિવસ બહાર જમવા લઈ જાય તો ફૂવાજી ક્યારેક શહેરમાં પીકચર જોવા. મને ડર લાગે છે મહેતા સાહેબ કે અમારી શ્લોકા જોતાં જ ગમી જાય એટલી મીઠડી છે. એને કોઈ કાકો, મામો કે બીજો કોઈ... ડોક્ટરે જોયું કે હમણાં માલતીબેન જ નહીં સાર્થકી પણ તેમની સાથે રડી રહી રહી હતી. 'મને માફ કરી દો મમ્મી...' સાર્થકીથી આગળ કંઈ જ બોલાયુ નહીં અને તે ડોક્ટરની કેબિનની બહાર ચાલી ગઈ.

Image Source:globalwomenconnectedVote Add to library

COMMENT